પંચમહાલના પાનમડેમ વિસ્તારમાં પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબ્યા. રમજાન ઈદનો તહેવાર હોવાથી કોઠંબાના ત્રણ યુવાનો પાનમ ડેમ ફરવા ગયા હતા. ત્રણેય યુવાનોના મૃતદેહ પાનમ કેનાલમાંથી મળી આવ્યા છે. ત્રણે યુવાનો મહીસાગરના કોઠંબાના હોવાનુ જાણવા મળ્યું છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા જેવા નાનકડા ગામમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો નામે મો.બુરહાન હાજી સઈદ નગીના, નિહાલ રફીક શેખ અને ફરહાદ શૈખ ગુરુવારની સવારમાં મિત્ર વર્તુળ સાથે ઈદના તહેવાર હોવાથી આનંદપૂર્વક ઈદની ઉજવણી કર્યા બાદ શહેરા તાલુકાના પાનમ ડેમ ખાતે ફરવા માટે ગયા હતા. ત્રણેય યુવાનો પોતાની સાથે નાસ્તો લાવ્યા હતા જ્યાં નાસ્તો પત્યા બાદ એક યુવાન બાજુમાં આવેલી પાનમ સિંચાઈની કેનાલમાં પીવાના પાણીની બોટલમાં પાણી ભરવા જતા તેનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.
આ સમયે ડૂબતા યુવાનને બચાવવા અન્ય યુવાન પડતા તે પણ ડૂબવા લાગતા ત્રીજો બંને ડૂબતા યુવાનોને બચાવવા પડતા ત્રણેય યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આ સાંભળી આસપાસના માણસો દોડી આવ્યા હતા અને આ બાબતની જાણ શહેરા પોલીસ મથકે કરતા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ગ્રામજનોની મદદ લઈ કેનાલમાં ત્રણેય યુવકોના મૃતદેહોને શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું. ખૂબ મહેનતના અંતે આખરે ત્રણે યુવાનોના મૃતદેહો હાથ લાગ્યા હતા અને ઓળખાણ થતાં તેઓના કુટુંબીજનોને જાણ કરવામાં આવી હતી.