ખાલિસ્તાની આતંકવાદી પ્રભપ્રીત સિંહ દિલ્હીથી વિદેશ ભાગી રહ્યો હતો. દરમિયાન એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રભપ્રીત જર્મનીથી આતંકવાદીઓની ભરતી અને ફંડિંગ મોડ્યુલ ચલાવતો હતો.
પંજાબ પોલીસે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના આતંકવાદી પ્રભપ્રીત સિંહ જર્મનીની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. પ્રભપ્રીત જર્મનીથી આતંકવાદીઓની ભરતી, સમર્થન અને ફંડિંગ મોડ્યુલ ચલાવતો હતો. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે ટ્વિટર પર આ માહિતી આપી હતી. આરોપીના 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીજીપી યાદવે કહ્યું કે જર્મનીનો આતંકવાદી પ્રભપ્રીત સિંહ દેશમાં ખાલિસ્તાન આતંકવાદી જૂથ માટે યુવાનોની ભરતી કરતો હતો. તેણે દેશભરમાં યુવાનોની ભરતી કરવા માટે 20થી 25 લોકોનું નેટવર્ક તૈયાર કર્યું હતું.
ડીજીપીએ કહ્યું કે આતંકવાદી પ્રભપ્રીત 2017માં પોલેન્ડ ગયો હતો, પરંતુ ત્યાંથી તે 2020માં જર્મની ગયો અને રાજકીય શરણ માંગી. ત્યાં તે બેલ્જિયમમાં રહેતા ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના જગદીશ સિંહ ભુરાના સંપર્કમાં આવ્યો અને પછી ખાલિસ્તાની સંગઠનમાં જોડાયો. આરોપીને 15 એપ્રિલ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.