બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ આ કાર્યવાહીની સ્પષ્ટતા કરી છે.
મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (ઉંમર 24) અને સાગર (21 વર્ષ) તરીકે થઈ છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
રવિવારે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈક સવારોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઈક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યું હતું. ગોળીઓના નિશાન સલમાનના એપાર્ટમેન્ટની બહાર પણ મળી આવ્યા હતા. એક ગોળી એપાર્ટમેન્ટની બાલ્કનીની જાળીમાંથી પણ નીકળી હતી. સલમાનખાન અવારનવાર આ બાલ્કનીમાંથી પોતાના ચાહકોને હાથ હલાવીને અભિવાદન કરે છે. તપાસ દરમિયાન ત્યાંથી બુલેટના શેલ મળી આવ્યા છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચ સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓને સતત શોધી રહી હતી. આ ઉપરાંત સાયબર ટીમ પાસેથી ડમ્પ ડેટા પણ કાઢવામાં આવ્યો હતો કે, બંને આરોપીઓ ભુજમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી.