આજે સમગ્ર દેશમાં રામ નવમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રામ મંદિરનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો છે. આ વખતની રામનવમી ખાસ છે કારણ કે 500 વર્ષ બાદ અયોધ્યામાં શાનદાર રીતે રામનવમીની ઉજવણી થશે આ દરમિયાન રામલલ્લાની વિશેષ પૂજા કરવામાં આવશે.
રામનવમી નિમિત્તે રામ મંદિરના દરવાજા મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં 3:30 કલાકે ખોલી દેવામાં આવ્યા છે. તો મંદિર સતત 19 કલાક સુધી એટલે કે ભક્તો રાત્રે 12 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકશે. આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બપોરે 12 કલાકે રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવશે.
રામલલ્લાના દર્શનને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યાં છે. રામ નવમી નિમિત્તે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.