યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-UGCના ચેરમેન જગદીશ કુમારે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ચાર વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ NETમાં બેસી શકે છે અને PhD કરી શકશે.
જુનિયર રિસર્ચ ફેલોશિપ-JRF સાથે અથવા તેના વગર PhD કરવા માટે ઉમેદવારોને તેમના ચાર વર્ષના અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ હોવો જરૂરી છે. અત્યાર સુધી, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ-NET પરીક્ષા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી હતી.
UGCના ચેરમેન જગદીશ કુમારે જણાવ્યું, “ચાર વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારો હવે સીધા જ PhD કરી શકે છે અને NET માટે ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીએ જે વિષયમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે એ સિવાયના વિષયમાં પણ PhD કરી શકશે. ચાર-વર્ષ અથવા આઠ-સેમેસ્ટર અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પાસે ઓછામાં ઓછા 75 ટકા અથવા તેના સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ.
યુજીસીના નિર્ણય મુજબ, એસસી, એસટી, ઓબીસી (નોન-ક્રીમી લેયર), દિવ્યાંગ, આર્થિક રીતે નબળા અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકા ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડની છૂટ આપવામાં આવી શકે છે.