માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ એ 93 સભ્યોની સંસદ માટે અત્યાર સુધી જાહેર કરાયેલી 86 બેઠકોમાંથી 66 બેઠકો જીતી લીધી છે. જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી માત્ર 12 સીટો પર આગળ છે.
માલદીવમાં રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ એ લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે પ્રચંડ જીત મેળવી છે. ચૂંટણી પરિણામો અનુસાર, 93 સભ્યોના ગૃહ માટે યોજાયેલી ચૂંટણીમાંથી 86 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. મુઈઝુની પાર્ટીને 66 સીટો મળી છે જ્યારે 6 સીટો અપક્ષના ફાળે ગઈ છે. બાકીની સાત બેઠકોના પરિણામ હજુ જાહેર થયા નથી. મુઈઝુની પીએનસી પાસે પહેલાથી જ 47 બેઠકોની બહુમતી કરતાં 19 બેઠકો વધુ છે.
અત્યાર સુધી સોલિહની વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી પાસે 44 સાંસદો સાથે સંસદમાં બહુમતી હતી. સંસદમાં બહુમત ન હોવાના કારણે મુઈઝુને નવા કાયદા બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેમના માટે આ ચૂંટણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ હતી.