દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પક્ષ અને વિપક્ષ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહી છે. 21મી એપ્રિલે રાજસ્થાનમાં જનસભાને સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનનો દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને ગુરદીપ સિંહ સપ્પલે 22મી એપ્રિલે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
ચૂંટણી પંચને ફરિયાદ કર્યા બાદ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, “અમે આભારી છીએ કે ચૂંટણી પંચે અમારી વાત સાંભળી. અમારા તરફથી 17 ફરિયાદો છે, ચૂંટણી પંચે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. રાજસ્થાનમાં વડપ્રધાન નરેન્દ્ર મોદીમાં નિવેદનમાં એક સમુદાય અને ધર્મનું નામ લેવામાં આવ્યું છે. જેમાં ઘૂસણખોરો સાથે સમુદાય અથવા ધર્મને જોડવામાં આવ્યો છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી એપ્રિલ રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું, “કોંગ્રેસનો આ ઢંઢેરો કહી રહ્યો છે કે તેઓ માતાઓ અને બહેનોના સોનાની ગણતરી કરશે, તેની માહિતી મેળવશે અને પછી તે સંપત્તિનું વિતરણ કરશે. અને તે તેમને વહેંચશે જેમના વિશે મનમોહન સિંહની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. અગાઉ જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. મતલબ કે આ મિલકત કોને ભેગી કરીને વહેંચવામાં આવશે? જેમને વધુ બાળકો હશે તેઓમાં વિતરણ કરશે. ઘૂસણખોરોમાં વહેંચશે. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપવામાં આવશે? શું તમે આ સાથે સહમત છો?”