સુરત લોકસભા બેઠક છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી. જ્યા ગઈકાલે સોમવારના રોજ 8 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું જે પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા છે. બે દિવસ પહેલા સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણી નું ઉમેદવારી ફોર્મ ટિકાકારોની ખોટી સહી મામલે રદ કરવામાં આવ્યું હતું. વળી નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થયા બાદથી તેમનો ફોન બંધ આવતા કોંગ્રેસ ના નેતાઓ લાલઘૂમ થયા હતા. હવે આજે સવારથી જ નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોએ હોબાળો શરૂ કર્યો છે.
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદથી તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. જેને લઇને આજે કોંગ્રેસના સમર્થકોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી હોબાળો કર્યો હતો. કોંગ્રેસના સમર્થકોએ હાથમાં “નિલેશ કુંભાણી જનતાના ગદ્દાર” ના બેનર સાથે વિરોધ કર્યો હતો.કુંભાણીના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો પહોંચી જતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસ કુંભાણીના ઘરે પહોંચી ટોળાને કાબુમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. અહીં સૌથી મોટી વાત એ છે કે, નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઇ ખબર નથી. મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા લગાવેલા છે.





