ચૂંટણી પંચે એક મહત્વના ચુકાદામાં ભાજપ માટેના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે રામ મંદિરના નામે લોકોને મત આપવા ઉપરાંત કરતારપુર સાહેબ કોરીડોરના મુદે શીખોને મતદાનની અપીલ કરી તેને ચૂંટણી પંચે આચારસંહિતાનો ભંગ ગણાવ્યો નથી. પરંતુ મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સામે પ્રશ્ન ઉઠાવીને તેને મુસ્લિમ લીગનો ચૂંટણી ઢંઢેરો અને જે રીતે કોંગ્રેસ પક્ષ અનામતથી લઇ મિલ્કતોમાં મુસ્લિમોને વહેંચી દેશે તે જે વિધાનો કર્યા હતા તે મુદે ચૂંટણી પંચ હવે તપાસ કરશે.
વડાપ્રધાને છેલ્લા બે દિવસમાં તેમના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને નિશાન બનાવ્યું છે રવિવારે કહ્યું હતું કે, કોંગ્રેસ જો સતામાં આવશે તો તે તમારી સંપતિ મુસ્લિમોને વહેંચી દેશે તેમને આ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના એક સમયના વિધાનોનો હવાલો આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, દેશના સંશાધનો પર પહેલો હક અલ્પસંખ્યકોનો છે અને હાલમાં જે રીતે કોંગ્રેસ પક્ષે સંપતિના રીડિસ્ટ્રીબ્યુશનનો મુદો છેડયો છે તેમાં પણ વડાપ્રધાને સભાઓને સંબોધતા કોઇ પાસે બે મકાન હશે. તો એક છીનવાઇ જશે અને મહિલાઓએ સોનાના દાગીનાનો હિસાબ આપવો પડશે અને કોંગ્રેસ પક્ષ મુસ્લિમનો વહેંચી દેશે તેવા કરેલા વિધાનો મુદે હજુ ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ રહી છે.
કોંગ્રેસ પક્ષે રાજસ્થાનમાં મોદીએ કરેલા વિધાનોને સાંપ્રદાયિક ભાવના ભડકાવાના તથા પ્રચારમાં ધર્મનો ઉપયોગ કરવાની કરેલી અરજી પર ચૂંટણી પંચ નિર્ણય લેશે તથા ખાસ એક ધાર્મિક સમુદાયને ટાર્ગેટ કરવાનો વડાપ્રધાને પ્રયત્ન કર્યો છે તે અંગે પણ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાઇ છે.