વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદને લઈને ઐતિહાસિક નિર્ણય આપનાર સિવિલ જજ રવિ દિવાકરને ધમકીનો દોર સતત ચાલુ છે. કેટલાક દિવસો પહેલા જજનુ સુરક્ષા કવર ઘટાડીને એકસ કેટેગરીનુ કરાયુ હતુ. હાલ સતત મળતી ધમકીને પગલે સુરક્ષા કવર વધારીને વાય કેટેગરીનુ કરવાની માંગ કરાઈ છે.
જજે આરોપ લગાવ્યો છે કે, તેમને ઈન્ટરનેશનલ નંબરોથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહી છે. અલાહાબાદ હાઈકોર્ટે તેમને અને તેમના પરિવારને વાય શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો હતો, જેને બાદમાં ઘટાડીને એકસ શ્રેણીની કરવામાં આવી હતી. જજ રવિ દિવાકરની હાલમાં જ બરેલીમાં બદલી થઈ છે.
ઉલ્લેખનીય છે કે, જજ દિવાકરની સુરક્ષામાં હાલ બે સુરક્ષાકર્મી તૈનાત છે. જજના એક સહયોગીએ જણાવ્યુ હતુ કે. આટલી સુરક્ષા પર્યાપ્ત નથી. કારણ કે આ બંને સુરક્ષાકર્મીઓ આટોમેટીક બંદુક અને આધુનિક હથિયારો ધરાવતા આતંકવાદીઓનો મુકાબલો કરવા માટે જરૂરી હથિયારોથી સજજ નથી.