મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના જગદલપુરથી ધરપકડ કરાયેલા એક્ટર સાહિલ ખાનને મુંબઈની કોર્ટે 1 મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. સાહિલ 4 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. મુંબઈ સાયબર સેલની SITએ મહાદેવ બેટિંગ એપ કેસમાં સાહિલની અટકાયત કરી હતી.
મુંબઈમાં મેડિકલ તપાસ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં પોલીસે સાહિલ ખાનનું નામ મહાદેવ સટ્ટાબાજીની એપમાં આરોપી તરીકે જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર આ એપનો પ્રચાર કર્યો હતો. સાહિલના વકીલના કહેવા પ્રમાણે, સાહિલ એક સેલિબ્રિટી છે, આમાં તેનો રોલ એકદમ સીમિત છે. પોલીસે કહ્યું તેમ બે હજાર સિમકાર્ડ અને બેંક ખાતા મળી આવ્યા, પરંતુ એક પણ ખાતું સાહિલના નામે ન હતું. સાહિલને પૈસા ન મળ્યા. ઈનફ્લુએન્સર એગ્રીમેન્ટ મુજબ સાહિલને દર મહિને 3 લાખ રૂપિયા મળવાના હતા, પરંતુ તે મળ્યા ન હતા. સાહિલે તેનો પાસપોર્ટ પણ જમા કરાવ્યો છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીની સાઈટ ચલાવવાનો અને સટ્ટાબાજીની એપને પ્રમોટ કરવાનો આરોપ છે. મુંબઈની માટુંગા પોલીસની મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં સાહિલ ખાનનું નામ સામે આવ્યું હતું. જે બાદ એસઆઈટીએ હાલમાં જ સાહિલની પૂછપરછ કરી હતી.