IPL 2024 પછી યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમ જાહેર કરવાની સમયમર્યાદા નજીક આવી રહી છે. એવું માનવામાં આવે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 1 મેના રોજ આ વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. દરમિયાન, અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિ મંગળવારે બોર્ડના સચિવ જય શાહને ટીમની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવા માટે મળવાની છે.
BCCI સેક્રેટરી જય શાહ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીના કન્વીનર છે અને લોકસભા ચૂંટણીના કારણે તેમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. માનવામાં આવે છે કે જય શાહ અને રાષ્ટ્રીય પસંદગીકારો વચ્ચે અમદાવાદમાં બેઠક યોજાશે. જય શાહ અને અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ વચ્ચેની બેઠક દરમિયાન બે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે, ટીમમાં બીજા વિકેટકીપરનું સ્થાન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું સ્થાન બે મહત્વના મુદ્દા હશે. આ ઉપરાંત લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી રહેલા સંજુ સેમસન વચ્ચે બીજા વિકેટકીપર માટે હજુ સ્પર્ધા ચાલી રહી છે.