વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. બે દિવસના પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે.
1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સંબોધશે. આ સભા ડીસાના એરોડ્રામ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2.30 વાગ્યે યોજાશે. ત્યારબાદ સાબરકાંઠા, મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસસભા સાંજે 4.15 વાગ્યાની આસપાસ હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડ ખાતે થનારી છે.
2 મેના રોજ પીએમ મોદી આણંદ અને ખેડા લોકસભા તેમજ ખંભાત વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સવારે 10 વાગ્યે સંબોધશે. ત્યારબાદે તેઓ સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે. બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનમાં સંબોધશે.
બપોરે 2.15 વાગ્યે જૂનાગઢના કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા તથા માણાવદર વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સંબોધશે. જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે 4.15 વાગ્યે વિજય વિશ્વાસ સભા સંબોધશે.