મણિપુરમાં ગત વર્ષની જાતિય હિંસાને લઈ CBIની ચાર્જશીટમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. ચાર્જશીટ અનુસાર જે કુકી સમાજની મહિલાઓને કપડાં ઉતારીને રસ્તા પર પરેડ કરવામાં આવી હતી તેમને પોલીસકર્મીઓએ જ ટોળાને હવાલે કરી હતી. સીબીઆઈની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે જ્યારે મહિલાઓ ગુનેગારોથી બચીને પોલીસ પાસે મદદ માટે ગઈ તો ગાર્ડે તેમને ગુનેગારોના ટોળાને સોંપી દીધા. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ મહિલાઓને તેમના જ વાહનમાં મેઈતે તોફાનીઓની ભીડમાં લઈ ગઈ હતી.
ગયા વર્ષે મણિપુરમાં જાતિય હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આમાં એક એવી ઘટના પણ સામે આવી હતી જેણે દેશવાસીઓને ચોંકાવી દીધા. કુકી સમુદાયની બે મહિલાઓને મેઇતે સમુદાયના તોફાનીઓએ નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ઘટનાના લાંબા સમય બાદ સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટના પર CBIએ પોતાની ચાર્જશીટમાં મોટા ખુલાસા કર્યા છે. CBIએ ચાર્જશીટમાં કહ્યું છે કે બંને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરતા પહેલા તેમને કપડાં ઉતારીને રોડ પર પરેડ કરાવવામાં આવી હતી.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ટોળાએ પરિવારની ત્રણ મહિલા પર પણ હુમલો કર્યો હતો અને તેમના કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રીજી મહિલાએ તેની પૌત્રીને ચુસ્તપણે પકડી રાખી હતી. અને તે ભાગવામાં સફળ રહી હતી. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણેય પીડિતાઓએ ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ પાસેથી મદદ માંગી હતી, પરંતુ તેમને કોઈ મદદ મળી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાઓએ પોલીસકર્મીઓને વાહનમાં સલામત સ્થળે લઈ જવા કહ્યું હતું, પરંતુ પોલીસકર્મીઓએ કથિત રીતે તેમને કહ્યું હતું કે તેમની પાસે વાહનની ચાવી નથી અને તેમણે કોઈ મદદ કરી ના હતી.
નોંધનીય છે કે મણિપુરમાં ગયા વર્ષે 4 મેની ઘટનાના લગભગ બે મહિના પછી જુલાઈમાં આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જેમાં બે મહિલાઓ પુરુષોના ટોળા દ્વારા ઘેરાયેલી અને નગ્ન પરેડ કરતી જોવા મળી હતી. સીબીઆઈએ ગયા વર્ષે 16 ઓક્ટોબરના રોજ ગુવાહાટીમાં સ્પેશિયલ જજ, CBI કોર્ટ સમક્ષ છ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.