કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણયને એક મોટી રાજકીય ચાલ તરીકે રજૂ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીનું આ પગલું વિરોધીઓને હરાવી દેશે, વાસ્તવિક જીવનમાં ચેસ ચેમ્પિયન એવા રશિયન ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમને સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટના જવાબમાં ગેરી કાસ્પારોવે લખ્યું છે કે, ‘ટોચના પદ માટે પડકાર આપતા પહેલા તમારે તમારી પરંપરાગત બેઠક રાયબરેલીથી જીતવું પડશે.’
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મનપસંદ ચેસ ખેલાડી ગેરી કાસ્પારોવે ‘ટોચના સ્તરે પડકાર આપતા પહેલા રાયબરેલીમાં જીત તો મેળવો’ કહીને રમત પ્રત્યેના તેમના શોખ અંગે પ્રતિક્રિયા આપી છે. આ 61 વર્ષીય ભૂતપૂર્વ મહાન રશિયન ખેલાડીએ 2005માં સ્પર્ધાત્મક ચેસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ‘X’ પર યુઝરની પોસ્ટનો જવાબ આપી રહ્યો હતો. કોંગ્રેસે તાજેતરમાં જ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી તેમના મોબાઈલ ફોન પર ચેસ રમતા હોવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં, ગાંધીએ કાસ્પારોવને તેમનો પ્રિય ચેસ ખેલાડી ગણાવ્યો હતો અને રમત અને રાજકારણ વચ્ચે સમાનતા દર્શાવી હતી.
વીડિયોમાં રાહુલ ગાંધીએ પોતાને રાજનેતાઓમાં શ્રેષ્ઠ ચેસ પ્લેયર ગણાવ્યા હતા. આના પર ‘X’ના એક યુઝરે લખ્યું, ‘કાસ્પારોવ અને વિશ્વનાથન આનંદે આ રમતને વહેલી તકે અલવિદા કહીને ખૂબ જ સારું કર્યું. તેમને અમારા સમયના સૌથી મહાન ચેસ જિનિયસનો સામનો ન કરવો પડ્યો.’ , ‘ટોચના સ્તરને પડકારતા પહેલા, તમારે રાયબરેલી સામે જીતવું જોઈએ.’ જોકે, પછીથી કાસ્પારોવે પણ લખ્યું હતું કે તે એક મજાક હતી.