માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેશનલ કોઓર્ડિનેટર અને પોતાના ઉત્તરાધિકારીના પદ પરથી હટાવી દીધો છે. BSPના પ્રમુખ માયાવતીએ ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ પોતાનો નિર્ણય પરત ખેચી લીધો છે. માયાવતીએ કહ્યું કે પરિપકવ થવા સુધી આકાશ આનંદને બન્ને મહત્ત્વની જવાબદારીથી અલગ રાખવામાં આવશે.
સૂત્રોની માનીએ તો આકાશ આનંદ પોતાની જનસભામાં જે રીતે વર્તમાન સરકારની સાથે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા હતા તેનાથી માયાવતી નારાજ હતા. 28 એપ્રિલે આકાશ આનંદે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક જનસભા કરી હતી ત્યારે તેમણે ટિપ્પણી કરી હતી જેની ચર્ચા થઇ હતી. આકાશ આનંદે કહ્યું હતું કે ભાજપની સરકારને બુલડોઝરની સરકાર કહેવામાં આવતા પીએમ મોદી વિપક્ષી દળોને સવાલ કરી રહ્યાં છે પરંતુ આ વાસ્તવમાં બુલડોઝરની નહીં આતંકવાદીઓની સરકાર છે. આ સરકારે દેશની જનતાને ગુલામ બનાવીને રાખી છે. ભાજપ સરકારને આતંકવાદી કહેવામાં આવતા ભાજપે આકાશ આનંદ વિરૂદ્ધ સીતાપુરમાં ફરિયાદ પણ નોંધાવી હતી.આકાશ આનંદે પોતાના એક નિવેદનમાં બહુજન સમાજને ડરાવીને વોટ માંગનારાઓને જૂતા મારીને ભગાવવાની વાત પણ કરી હતી. એક અન્ય નિવેદનમાં રામ મંદિર દર્શન ના કરાવવા પર પાર્ટીના નિર્ણય સંબંધમાં જે રીતનું નિવેદન આપ્યું હતું તેના પર પણ સવાલ ઉભા થયા હતા. આ તમામ રાજકીય ઘટનાક્રમો બાદ તેની ચૂંટણી જનસભાને રદ કરવામાં આવી હતી.
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના નિર્ણયની જાણકારી આપતા લખ્યું, ‘બીએસપી એક પાર્ટીની સાથે જ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના આત્મસમ્માન અને સ્વાભિમાન તથા સામાજિક પરિવર્તનની પણ મૂવમેન્ટ છે જેના માટે કાંશીરામજી અને મે ખુદ પણ પોતાનું જીવન સમર્પિત કર્યું અને તેને ગતિ આપવા માટે નવી પેઢીને પણ તૈયાર કરવામાં આવી રહી છે.’ માયાવતીએ કહ્યું, ‘આ ક્રમમાં, પાર્ટીમાં અન્ય લોકોને આગળ વધારવાની સાથે જ આકાશ આનંદને નેશનલ કોઓર્ડિનેટર અને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા પણ પાર્ટી અને મૂવમેન્ટના હિતમાં સંપૂર્ણ પરિપકવતા સુધી આ બન્ને મહત્ત્વની જવાબદારીથી અલગ કરવામાં આવી રહ્યો છે.’