અમદાવાદના ઈસનપુરમાં ચાલતા જુગારધામ ક્લબ પર PCBએ દરોડા પાડ્યા હતા. આ દરોડા પાડીને 31 આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચ્યા હતા. PCBએ 16 લાખ રોકડા પણ દબોચ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ઈસનપુરમાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અરવિંદ ઉર્ફે ઉસ્તાદ જીવણલાલ દલાલ તથા મુળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણાનું જુગારધામ ચાલતું હતું.
પોલીસ વિભાગ અને એજન્સીઓને દમ મારવા માટે થઈને અરવિંદે હાઈકોર્ટમાંથી મંજુરી મળી હોવાનું કહીને બેરોકટોક ગેમલીંગની આડમાં જુગારધામ ચલાવતો હોવાનો પર્દાફાશ પીસીબીએ કરી નાંખ્યો છે. હાલ અરવિંદ ઉર્ફે ઉસ્તાદ જીવણલાલ દલાલ અને મુળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણા દરોડા પહેલાં જ ફરાર થઈ ગયા છે.
આ જુગારધામ ઈસનપુર બસ સ્ટેન્ડની બિલકુલ સામે આવેલા કોમ્પલેક્ષના બીજા માળ પર આવેલું છે. આ ક્લબના દરવાજા ફિંગરપ્રિન્ટ વાળા છે. પ્રવેશ ફક્ત ચોક્કસ લોકોને જ આપવામાં આવતો હતો. ક્લબની અંદર ખેલીઓને તમામ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી જમવાથી લઈને તમાકુ અને સિગારેટ પણ આપવામાં આવતી હતી. સાથે સાથે આ ક્લબમાં ઘડિયાળમાં અને અન્ય બીજી જગ્યાઓએ પણ ગુપત કેમેરા (હીડન કેમેરા) લગાવવામાં આવ્યા હતા. રવિવારની સાંજે PCBની ટીમ પહોચી ત્યારે પણ પેરવી કરતા ત્રણ વકીલો સામે આવ્યા હતા પરંતુ પીસીબીએ પોલીસની ભાષામાં વાત કરતા જ વકીલોને ખરાઅર્થમાં કાયદો અને પોલીસની ભાષા બંને સમજાઈ ગયા હતા.PCBએ અજાણ્યા સ્થળ પરથી એક વ્યક્તિને ઝડપાયો હતો જે અન્ય વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ જાહેર રોડ પર કરતો હતો અને રોકડ રકમ અંગે પૂછતા યોગ્ય જવાબ નહી મળતા પીસીબીના કર્મીઓએ સઘનતા પૂર્વક કરેલી પૂછપરછમાં રોકડ રકમનો વ્યવહાર કરનારા બંને ભાંગી પડ્યા અને હકીકત જણાવી હતી કે આ નાણા અરવિંદ ઉસ્તાદની ક્લબનાં વ્યવહારના છે.