લોકસભાની સુરત બેઠક બિનહરીફ જાહેર થતાં શહેરની સુરત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, કતારગામ, વરાછા અને કરંજ વિધાનસભા બેઠકના વિસ્તારોમાં મંગળવારે ચૂંટણી થઈ ન હતી. આવા 17 લાખથી વધુ મતદારો માટે મંગળવાર જાણે અમંગળ સાબિત થયો હતો. એક તરફ મતદારોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે પહેલીવાર મતદાન કરનારા યુવાઓ મત નહીં આપી શકતાં ઘણાએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી પોસ્ટ મૂકી હતી કે, ‘નસીબ જ ખરાબછે, મત આપી ન શક્યા’. આ પૈકી ઘણા મતદારોનું કહેવું હતું કે, ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતપોતાનો ખેલ પાડી દીધો ને મતદારો જોતા જ રહી ગયા.
સુરત લોકસભા બેઠક બિનહરિફ થઈ જતા ભાજપના મુકેશ દલાલ, પૂર્વ સાંસદ દર્શના જરદોષ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, શહેર પ્રમુખ નિરંજન ઝાઝમેરા સહિત દસથી વધુ નેતાઓ મતદાન કરી શકયા ન હતા. બીજી તરફ, કોંગ્રેસે જેમણે ટિકિટ આપી હતી અને ઉમેદવારી પત્ર રદ થવાના કારણે ચૂંટણી રદ થઈ હતી તે નીલેશ કુંભાણીનુ મતક્ષેત્ર બારડોલી લોકસભા બેઠકમાં આવે છે. મતદાનના દિવસે પણ કુંભાણી મત આપવા આવ્યા ન હતા. જે દિવસથી ફોર્મ રદ થયુ તે દિવસથી તેઓ સુરત છોડી પલાયન થઈ ગયા છે.