લોકલ ટ્રેન એ મુંબઈગરા માટે લાઈફલાઈનની ગરજ સારે છે અને આ લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો મુંબઈગરા પ્રવાસ કરે છે. કાળાનુંક્રમે આ લોકલ ટ્રેનોમાં ઘણા પરિવર્તન આવ્યા છે અને એમાંથી સૌથી મોટું પરિવર્તન એટલે એસી લોકલ. એસી લોકલ ટ્રેન જ્યારથી મધ્ય અને પશ્ચિમ રેલવેમાં દોડાવવાની શરૂઆત કરાઈ છે ત્યારથી જ તેની લોકપ્રિયતામાં વધારો જોવા મળી રહ્યો છે. એકલા છઠ્ઠી મેના રેલવે દ્વારા આપેલા આંકડાની વાત કરીએ તો એક જ દિવસમાં એસી લોકલના 3737 પાસ કઢાવવામાં આવ્યા હોવાની માહિતી પશ્ચિમ રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અધિકારીએ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ એસી લોકલમાં પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. છઠ્ઠી મે, 2024ની વાત કરીએ તો એક જ દિવસમાં 3737 પાસ કઢાવવામાં આવ્યા હતા. આ આંકડો પશ્ચિમ રેલવેમાં જ્યારથી એસી લોકલ લોન્ચ કરવામાં આવી છે ત્યારથી વેચાયેલા સૌથી વધુ હોવાનું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
મે મહિનાની વાત કરીએ છઠ્ઠી મે સુધી એસી લોકલની 1,60,645 ટિકિટ બુક કરાવવામાં આવી હતી આ આંકડો ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન જોવા મળેલા ટિકિટના વેચાણ કરતાં 30 ટકા જેટલો વધારે હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા સાત રેકની મદદથી આખા દિવસમાં 96 એસી લોકલ દોડાવવામાં આવે છે. વધતી જતી ઉનાળા અને વેકેશનને કારણે એસી લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.