ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું છે.
ધોરણ 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ મોરબીનું પરિણામ 92.80 ટકા અને સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ 51.36 ટકા પરિણામ આવ્યું છે. 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું, અત્યાર સુધીની સૌથી વધુ પરિણામ છે. સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા અને સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું 84.81 ટકા પરિણામ આવ્યું છે. 1609 સ્કૂલોનું 100 ટકા પરિણામ અને 19 સ્કૂલોની 10 ટકા કરતાં ઓછું પરિણામ છે.
ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય વિષયોની લેખિત પરીક્ષા 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જ્યારે ગુજકેટની પરીક્ષા 1.36 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.80 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. આમ કુલ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.