રિક્ષામાં બેસીને પેસેન્જરને તેની જગ્યાએ ઉતારી રિક્ષા ચાલકે ભાડુ માગતા પેસેન્જરે ભાડુ આપવાની જગ્યાએ તેને કહ્યું હતું કે, મારે દુબઇ જવું છે. ત્યારે રિક્ષા ચાલકે તેને મજાક નહીં કરી ભાડુ આપવાનું કહેતા જ પેસેન્જર અને તેના માણસોએ રિક્ષા ચાલકને માર માર્યો હતો અને મોબાઇલ તથા રોકડા રૂપિયા લૂંટીને ભાગી ગયા હતા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોમતીપુરમાં રહેતા અશરફઅલી અંસારી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ કાલે રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ હું સારંગપુર સર્કલથી એક પેસેન્જર લઈ શાહ આલમ ટોલ નાકા જવા નીકળ્યો હતો. એસ.ટી ગીતા મંદિર ચાર રસ્તાથી મેં બીજો એક પેસેન્જર મારી રિક્ષામાં બેસાડ્યો હતો. હું રિક્ષા લઇને શાહ આલમ ટોલ નાકા આગળ આવેલા કેક એન જોય નામની દુકાન સામે રોડ પર પહોંચ્યો તે દરમિયાન મેં પેસેન્જરને ઉતારવા માટે રિક્ષા ઉભી રાખીને ભાડુ આપવાનું કહેતા અજાણ્યો પેસેન્જરે મને કહ્યું કે રિક્ષામાં મારે દુબઈ જવું છે. મેં મજાક નહીં કરવા અને ભાડુ આપી નીચે ઉતરવાનું કહેતા મને ભાડુ નહીં આપવાનું કહીં એકદમ ઉશ્કેરાઈ જઈને મને ગંદી બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મેં તેને નીચે ઉતારવાનો પ્રયત્ન કરતા મને અગાઉ અકસ્માતમાં ઈજા થઈ હતી અને ગળાના ભાગે ટાંકા લીધા હતા તે જગ્યાએ મને એક ફેંટ મારી હતી. અને વધુ બોલાચાલી થતા આ અજાણ્યા માણસે તે દરમિયાન બુમો પાડતા આસપાસથી બે માણસો આવી મને નીચે પાડી દઈ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.