ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. જો કે ઈરાન સરકારે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. દેશમાં તબીબી સહાય પૂરી પાડતી રેડ ક્રેસેન્ટે જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈના બચવાની સંભાવના નથી.
રઈસી સાથે હેલિકોપ્ટરમાં રહેલા વિદેશ મંત્રી હુસૈન અમીરાબદુલ્લાહિયનને પણ મૃત્યુની જાણકારી આપવામાં આવી છે. આ પહેલા તેમના હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. તેમાં રાષ્ટ્રપતિ રઈસી સહિત 9 લોકો હતા.હેલિકોપ્ટર રવિવારે સાંજે 7.30 વાગ્યે અઝરબૈજાન નજીક ગુમ થયું હતું. આખી રાત તેની શોધ ચાલી રહી હતી. આ વિસ્તારમાં ભારે વરસાદ, ધુમ્મસ અને ઠંડીના કારણે શોધખોળ કરવામાં મુશ્કેલી પડી હતી. ત્રણ બચાવકર્મી ગુમ થયા છે.
રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન ઉપરાંત, હેલિકોપ્ટરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલીહાશેમ, એક પાઇલટ, સહ-પાયલટ, ક્રૂ ચીફ, સુરક્ષાના વડા અને બોડીગાર્ડ સવાર હતા.