લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી તંત્રની લાપરવાહી ઉપરાંત ભ્રષ્ટ અધિકારીઓને લઈને પત્ર લખવા માંડ્યા છે આ કારણોસર ભાજપ મોવડી મંડળ ભડક્યુ છે. હવે કમલમથી ધારાસભ્યોને સૂચના અપાઇ છેકે, ચૂપ રહો, પ્રજાલક્ષી સમસ્યાની રજૂઆત કરી પણ પત્ર વાયરલ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખો. નોંધનીય છેકે, અગાઉ પણ ધારાસભ્યોને આ મામલે સૂચના અપાઈ હતી પણ કોઈ અમલ થઈ શક્યો ન હતો.
હાલ ભાજપના જ ધારાસભ્યો જાણે સરકાર સામે શિંગડા ભેરવતા હોય તેવું ચિત્ર ઉભુ થયુ છે. સુરતમાં કુમાર કાનાણીએ કલેક્ટર કચેરીમાં એજન્ટ રાજને લઈને સવાલ ઉઠાવ્યા હતાં. આમેય કુમાર કાના સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવતાં જ રહ્યા છે. આ જ પ્રમાણે, જૂનાગઢમાં ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ અધિકારીઓ મનમાની કરી રહ્યા છે તેવો આક્ષેપ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો.
આ ઉપરાંત મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ તાલુકા વિકાસ અધિકારી મનસ્વી રીતે ખરીદી કરીને ગેરરીતી આચરી રહ્યા છે તેવા આક્ષેપ કરતો પત્ર જીલ્લા વિકાસ અધિકારીને લખ્યો હતો. ગારિયાધાર ભાજપ શહેર પ્રમુખે પણ પત્ર લખીને નગરપાલિકાના ચીફ ઓફિસર, વહીવટદાર સામે આરોપ મૂકી પત્ર લખ્યો હતો. સરકારી તંત્રની લાપરવાહી, ભ્રષ્ટ અધિકારીઓને લઈને ભાજપના ધારાસભ્યો, નેતાઓ જ લેટર બોમ્બ થકી સરકારને બદનામ કરી રહ્યા છે.
ભાજપ મોવડી મંડળ નારાજ છે. હવે ભાજપના ધારાસભ્યોને તાકીદ કરાઈ છેકે, રજૂઆત કરો તેનો વાંધો નથી પણ રજૂઆતના પત્ર સોશિયલ મિડીયામાં વાયરલ ન થાય તેની ખાસ તકેદારી રાખો. અત્યારે તો ચૂંટણી પરિણામ સુધી રાહ જોવી પડે તેમ છે. કેમકે, જો એકાદ-બે બેઠક ભાજપના હાથમાંથી સરકી જાય તો અસંતુષ્ટોને ભાવતુ ભોજન મળી રહે તેમ છે. આ જોતાં ભાજપ પ્રદેશ નેતાગીરી તમાશો કશુક જ કરવાના મતમાં નથી. પણ જો 26 બેઠકો ભાજપ જીતી ગઈ તો, સરકાર-સંગઠનની છબી ખરડાનારાં અને પક્ષવિરોધીઓને તો ઘરનો રસ્તો દેખાડી દેવાશે તે વાત નક્કી છે.