રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. હીટવેવને કારણે અત્યાર સુધીમાં છના મોત થયા છે. બાડમેર શહેર વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર છે. પાકિસ્તાનનું જેકોબાબાદ શહેર નંબર વન પર છે. ગુરુવારે બાડમેરમાં તાપમાન 49 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. રાજસ્થાનના 22 જિલ્લામાં આગામી ચાર દિવસ માટે હીટ વેવનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના પશ્ચિમી જિલ્લા અનુપગઢ, બાલોત્રા, બાડમેર, બિકાનેર, જેસલમેર, જોધપુર, જોધપુર ગ્રામીણ, કોટા, ફલોદીમાં આગામી 24 કલાકમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. આપત્તિ વ્યવસ્થાપન સહાય અને સુરક્ષા વિભાગ અને મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. રાજસ્થાનમાં આજે એક જ દિવસમાં હીટવેવને કારણે છ લોકોના મોત થયા હતા, જેમાં જાલોર જિલ્લામાં એક મહિલા સહિત ચારના મોત થયા હતા, જ્યારે બાલોત્રા જિલ્લામાં રિફાઇનરીમાં કામ કરતા એક મજૂરનું ગરમીને કારણે મોત થયું હતું. જોધપુરમાં હીટવેવને કારણે વધુ એક મોત થયું છે.