પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ફરી એકવાર એક મોટી ઘટના સામે આવી છે. અહીં, મતદાનની આગલી રાત્રે એટલે કે શુક્રવારની રાત્રે (24 મે 2024), પૂર્વ મિદનાપુર જિલ્લાના મહિષદલમાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓએ તેમની હત્યા કરી છે.
મૃતક નેતાની ઓળખ શેખ મૈબુલ તરીકે થઈ છે. તેઓ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય હતા. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે મૈબુલ શુક્રવારે રાત્રે લગભગ 11 વાગે પાર્ટી કાર્યકરને ઉતાર્યા બાદ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમના મૃત્યુ બાદ આરોપીએ તેમની લાશ તળાવમાં ફેંકી દીધી હતી. જ્યારે કેટલાક લોકોને આ વાતની જાણ થઈ તો તેઓ લાશને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ મૈબુલને મૃત જાહેર કર્યો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પહેલા 22 મેની રાત્રે પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક મહિલા ભાજપ કાર્યકરનું મોત થયું હતું, જ્યારે ભાજપના સાત કાર્યકરો ઘાયલ થયા હતા. આ સિવાય 20 મેના રોજ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં બીજેપી ઉમેદવાર અર્જુન સિંહ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર આવ્યા હતા. આ અથડામણનો વીડિયો પણ વાયરલ થયો હતો.