ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે તે લગભગ નિશ્ચિત છે. ક્રિકબજ સાથે વાત કરતી વખતે, IPLની એક ફ્રેન્ચાઇઝીના માલિકે કહ્યું કે ગંભીરનું કોચ બનવાનું લગભગ નક્કી થઈ ગયું છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, શાહરૂખ ખાનને પણ આ વિશે માહિતી મળી છે. BCCIના નિયમો અનુસાર, જો ગંભીર ટીમનો મુખ્ય કોચ બને છે તો તેણે KKRની મેન્ટરશિપ છોડવી પડશે. સોમવાર (27 મે) કોચ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ હતી. ગંભીરે આ પદ માટે અરજી કરી હોય તેવી શક્યતા છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
રાહુલ દ્રવિડ હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પછી પુરો થશે. નવા હેડ કોચનું સિલેક્શન T-20 વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે. તેમનો કાર્યકાળ 1 જુલાઈ, 2024થી શરૂ થશે અને 31 ડિસેમ્બર, 2027 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 ICC ટૂર્નામેન્ટ રમવાની છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T-20 વર્લ્ડ કપ અને વનડે વર્લ્ડ કપની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2 સાઈકલનો સમાવેશ થાય છે.
કોલકાતાની ટીમ IPL 2024ની ચેમ્પિયન બની હતી. ગંભીર આ સિઝનમાં કોલકાતાના મેન્ટરની ભૂમિકામાં હતો. રવિવારે રમાયેલી ફાઇનલ મેચ બાદ ગંભીર જય શાહને મળવા આવ્યો હતો, જેના કારણે તેના ભારતના હેડ કોચ બનવાની અટકળોએ જોર પકડ્યું હતું. ગંભીરે એક ખેલાડી તરીકે 2 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે 2 IPL જીતી, તેની પાસે કોચિંગનો કોઈ અનુભવ નથી
42 વર્ષીય ગંભીરને આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક સ્તરે કોચિંગનો કોઈ અનુભવ નથી, તે IPLની બે ફ્રેન્ચાઈઝીમાં કોચિંગ સ્ટાફની જવાબદારી સંભાળી ચુક્યો છે. તે IPL 2022 અને 2023માં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. જ્યારે 2024 સીઝનમાં KKR સાથે જોડાયો. ગંભીરે LSGમાં રહેતા પ્રથમ બે સીઝનમાં ટીમને પ્લેઓફમાં લઈ ગયો. આ સાથે જ KKRએ આ સિઝનમાં ટાઈટલ જીત્યું છે.






