અભિનેતા સલમાન ખાનને મારવાના વધુ એક કાવતરાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગે પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ માટે પાકિસ્તાનના હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર ખરીદવાની યોજના હતી. નવી મુંબઈ પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધીને 4 લોકોની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને એવી સૂચના મળી હતી કે જેલમાં બંધ ગેંગસ્ટર બિશ્નોઈ, તેના કેનેડા સ્થિત પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ અને સહયોગી ગોલ્ડી બ્રાર સાથે મળીને પાકિસ્તાનના એક આર્મ્સ ડીલર પાસેથી AK-47, M-16 અને અન્ય અત્યાધુનિક હથિયારો ખરીદ્યા હતા. તેનો ઉપયોગ અભિનેતા સલમાન ખાનને મારવા માટે કર્યો હતો.
માહિતી અનુસાર આ પ્લાનમાં તેમનો ઉદ્દેશ્ય સલમાન ખાનની કારને રોકવાનો અથવા ફાર્મહાઉસ પર હુમલો કરવાનો હતો. એ પણ બહાર આવ્યું છે કે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવા બદલ બે શૂટર્સની ધરપકડના એક મહિના પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો હતો. નવી મુંબઈ પોલીસનું કહેવું છે કે બાતમીના આધારે પોલીસે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે અને અભિનેતા સલમાન ખાન પર હુમલો કરવાના પ્લાનની તપાસ કરી રહી છે.