મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીએ પલટી મારતા 13 વ્યક્તિના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ 2જી જૂનની રાત્રે રાજસ્થાનથી લગ્નની જાન રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહી હતી. આ દરમિયાન જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પીપલોડી પાસે પલટી મારી ગઈ હતી. જેને લઈ અનેક લોકો નીચે દટાઇ જતાં 13 લોકોના મોત થયા હતા. આ તરફ અન્ય ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
રાજસ્થાનના છિપાબાદોડ પોલીસ સ્ટેશનના મોતીપુરા ગામથી એક જાન રાજગઢ જિલ્લાના દેહરીનાથ ગ્રામ પંચાયતના ગામ કુલમપુરા તરફ આવી રહી હતી. લગ્નમાં 20 થી 25 જેટલા મહેમાનો ટ્રેક્ટર ટ્રોલીમાં આવીને મોજ મસ્તી કરતા હતા. દરમિયાન મધ્યપ્રદેશના રાજગઢમાં પ્રવેશતા જ તેનું ટ્રેક્ટર કાબૂ બહાર ગયું હતું. રાત્રિના અંધકારમાં ટ્રોલી પલટી ગઈ. ટ્રોલી એવી રીતે પલટી ગયું કે બધા તેની નીચે દબાઈ ગયા. તેમાં પુરુષો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ હતા. ટ્રોલી નીચે આવતાની સાથે જ ચારેબાજુ ચીસાચીસ થઈ ગઈ હતી. જ્યારે ત્યાંથી પસાર થતા લોકોએ તેની બૂમો સાંભળી તો તેઓ ચોંકી ગયા. તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેટલાક લોકો ત્યાં રહેતા સ્થાનિક લોકોને બોલાવવા ગયા હતા.