ભારતીય લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી પરિણામોના પ્રારંભીક ટ્રેન્ડમાં ભારે ઉતેજનાભર્યો માહોલ સર્જાયો હતો. એનડીએને પ્રચંડ બહુમતી આપતા વન-સાઈડેડ એકઝીટ પોલથી વિરોધાભાસી ટ્રેન્ડ હોય તેમ કોંગ્રેસ ગઠબંધન 200ના આંકડાને પાર કરી ગયુ હતું. જયારે એનડીએની સરસાઈ ધરાવતી બેઠકોનો આંકડો 300ની આસપાસ રહ્યો છે. અનેક કેન્દ્રીયમંત્રીઓ સહીતના મહારથી પાછળ હતા. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અમીત શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ સારી એવી લીડ સાથે આગળ હતા.
ચૂંટણી પરિણામોના પ્રારંભીક ટ્રેન્ડમાં મોટી ઉલટફેર જોવા મળી હોય તેમ બિહાર, ઝારખંડ, ઓડીશા, પશ્ર્ચીમ બંગાળ, આંધ્રપ્રદેશમાં ભાજપ- એનડીએનો જબરદસ્ત દેખાવ રહ્યો હતો જયારે આશ્ર્ચર્યજનક રીતે ઉતરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત જેવા ભાજપના ગઢ સમા રાજયોમાં કોંગ્રેસ ગઠબંધને ગાબડુ પાડયુ હતું.
દેશમાં લોકસભાની 543 બેઠકો પર સાત તબકકામાં ચૂંટણી યોજાઈ હતી. 80 દિવસ ચાલેલી મહાકવાયત શનિવારે પૂર્ણ થયા બાદ આજે સવારથી તમામ બેઠકો પર મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભીક કલાકોના ટ્રેન્ડમાં ફરી એનડીએને બહુમતી મળવા સાથે સતત ત્રીજી વખત મોદી સરકાર રચાવાનું ચિત્ર ઉપસ્યુ હતું છતાં એકઝીટ પોલના આધારે એનડીએનો એકતરફી અને પ્રચંડ બહુમતીથી વિજય થવાના તારણો શંકાસ્પદ બનવા લાગ્યા હતા. જુદા-જુદા રિપોર્ટમાં બેઠકોના ટ્રેન્ડમાં મોટુ અંતર જોવા મળી રહ્યું હતું. એનડીએ 300 આસપાસ બેઠકો પર લીડ મેળવી રહ્યું હતું જયારે ઈન્ડિયા ગઠબંધનની 200થી વધુ બેઠકો પર સરસાઈ માલુમ પડતી હતી.
આશ્ચર્યજનક બાબત એ હતી કે ભાજપના ગઢ ગણાતા રાજયોમાં પ્રારંભીક ટ્રેન્ડમાં મોટો ઉલટફેર હોવાની છાપ હતી. કર્ણાટકમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં 28માંથી20 બેઠકો પર ભાજપની સરસાઈ હતી. પશ્ચિમ બંગાળમાં 42માંથી 15 બેઠકોમાં ભાજપને સરસાઈ હતી. ઓડીશા બીજેડીનો ગઢ ગણાય છે ત્યાં ભાજપને 21માંથી18 બેઠકોમાં લીડ હતી. નીતીશકુમાર સાથે જોડાણનો લાભ થયો હોય તેમ બિહારમાં 40માંથી 34 બેઠકોમાં ભાજપને લીડ હતી. છતીસગઢ, ઉતરાખંડ તથા ઝારખંડમાં દબદબો યથાવત હતો તેવીજ રીતે આંધ્રપ્રદેશમાં 25માંથી 18 બેઠકોમાં એનડીએની લીડ હતી તેની સામે ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત જેવા રાજયોમાં ઈન્ડિયાએ ગાબડુ પાડયુ હતું.