ભાજપ NDAના ગઠબંધન હેઠળ સરકાર બનાવવા જઈ રહી છે. દિલ્હીમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ સંદર્ભે ગુજરાત ભાજપના તમામ સાંસદોને હાઈકમાન્ડે આજ સુધી દિલ્હી પંહોચવા આદેશ કર્યો છે. હાઈકમાન્ડ આદેશ પર ગુજરાત ભાજપના તમામ સાંસદો 9 જૂન સુધી દિલ્હીમાં રોકાણ કરશે. દરમ્યાન ભાજપના સાંસદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે છે.
દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો કે રાજ્યમાં ક્ષત્રિયોનો વિરોધ અને બનાસકાંઠાની બેઠક ગુમાવતા તેમજ અપેક્ષા કરતાં રાજ્યમાં ઓછું મતદાન અને ઘટતા વોટશેરને લઈને પણ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં મિશ્ર પરિણામો બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતમાં કયા સાસંદોની કેન્દ્રીયમંત્રી તરીકે પસંદગી થશે અને કોણ બહાર થશે?