મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ થયો હતો. વરસાદની સ્થિતિ એવી હતી કે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદ લોકો માટે આફત બની ગયો હતો. મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ વાહનો ડૂબી ગયા છે. વિક્રોલી વિસ્તારમાં વરસાદને કારણે એક સ્લેબ તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં છે. આમાં એક ૧૦ વર્ષનો બાળક પણ સામેલ છે.
ભારતના હવામાન વિભાગ મુજબ, દક્ષિણ મુંબઈમાં કોલાબા ઓબ્ઝર્વેટરીએ ૬૭ મીમી વરસાદ નોંધ્યો હતો, જયારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની સાંતાક્રુઝ ઓબ્ઝર્વેટરીએ આ જ સમયગાળામાં ૬૪ મીમી વરસાદ નોંધ્યો હતો. કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૧ ડિગ્રી વધારે છે, જયારે લઘુત્તમ તાપમાન ૨૪.૩ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૨.૯ ડિગ્રી ઓછું છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો રાત્રિના તાપમાનમાં ઘટાડો દર્શાવે છે.