18મી લોકસભાનું સત્ર 24 જૂનથી શરૂ થશે જે 3 જુલાઇ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ આ માહિતી આપી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ કહ્યું, “નવા ચૂંટાયેલા સભ્યોના શપથ/સમર્થન, સ્પીકરની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા માટે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઇ દરમિયાન બોલાવવામાં આવ્યું છે. રાજ્યસભાનું સત્ર 27 જુલાઇના રોજ શરૂ થશે અને 3 જુલાઇએ સમાપ્ત થશે.”
સંસદનું 8 દિવસ વિશેષ સત્ર 24 જૂનથી 3 જુલાઇ સુધી ચાલશે. સંસદના વિશેષ સત્રમાં 24 અને 25 જૂને નવા સાંસદોનું શપથ ગ્રહણ યોજાઇ શકે છે. 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થવાની સંભાવના છે. મહત્ત્વપૂર્ણ છે કે 4 જૂને લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા હતા. જેમાં ભાજપના નેતૃત્ત્વ ધરાવતા NDA ગઠબંધને 293 બેઠક સાથે જીત મેળવી હતી. 9 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાંસદો સહિત 72 નેતાઓએ મોદી કેબિનેટ 3.0ના શપથ લીધા હતા. 10 જૂને તમામ મંત્રીઓને પોર્ટફોલિયોની વહેંચણી પણ કરવામાં આવી હતી.