દેશમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે બે અલગ-અલગ રાજ્યોમાં અકસ્માતની ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા છે જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રથમ અકસ્માત આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં થયો હતો. જ્યાં લાકડા ભરીને લઈ જઈ રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે મીની ટ્રકની કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રકમાં કુલ 10 લોકો સવાર હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.
અન્ય એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે. જેમાં દાતિયા જિલ્લામાં રતનગઢ મંદિરે જતા શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેકટર પલટી મારી ગઈ હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 19 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને દાતિયા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.