લોકસભા જીતીને કેન્દ્રીય રાજ્ય મંત્રી બનનાર એક માત્ર ભાવેણાવાસી અને સુપર વુમન કહી શકાય એવા નિમુબેન બાંભણીયા, ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી બન્યા બાદ આજે સાંજે પ્રથમ વાર ભાવનગર આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ‘વિજય ગૌરવ યાત્રા’ યોજાશે. જે નરી ચોકડીથી પ્રારંભ થઇ શહેર ભાજપ કાર્યાલય ખાતે સંપન્ન થશે. કેન્દ્રીય રાજય મંત્રી નીમુબેનને આવકારવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ગઈ કાલે ગુરુવારના બેઠક મળેલ, જેમાં ત્રણેય મહામંત્રીઓ અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલીયા સહિત અપેક્ષિત હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. જેમાં શહેર અધ્યક્ષએ સૌને માર્ગદર્શન આપેલ અને બેનર પુષ્પગુચ્છ, પાણી, મીડિયા, માઇક અને શમીયાણા જેવી વ્યવસ્થા તેમજ વિજય ગૌરવ યાત્રાના શહેરના તેમજ પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વાઇઝ પ્રભારીઓની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આજે તારીખ ૧૪ જૂનને શુક્રવારના સાંજે ૫ કલાકે મસ્તરામ બાપા મંદિરેથી શરૂ થનારી આ વિજય ગૌરવ યાત્રા વડલા, વિઠ્ઠલવાડી, નિલમબાગ સર્કલ કે, જ્યાં રા. રા. કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાર્પણ કરીને બહુમાળી, માધવરત્ન, ચાવડીગેટ, એસટી બસસ્ટેન્ડ, પાનવાડી તેમજ જશોનાથ સર્કલ થઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન સભામાં ફેરવાશે.
આ વિજય ગૌરવ યાત્રામાં શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, તમામ સેલ, મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો, કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો, મિત્રો અને શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ શહેર ભાજપ મીડિયા વિભાગના કન્વીનર હરેશભાઇ પરમારે જણાવ્યું હતું.