અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની મુસાફરીમાં ઓછો સમય લાગશે. 15 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પરની તમામ ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત, શતાબ્દી, આઈઆરસીટીસી તેજસ, ડબલ ડેકર અને દિલ્હી-મુંબઈ રાજધાની જેવી ટ્રેનોની ઝડપ 130 કિમી પ્રતિ કલાકથી વધીને 160 કિમી પ્રતિ કલાક થઈ જશે. રેલવે પ્રશાસને આ અપગ્રેડેશન માટેના એક્શન પ્લાનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. અપગ્રેડેશનનું કામ 30 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ રૂટ પર, વિરાર અને સુરત વચ્ચે અને પછી અમદાવાદ સુધી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડશે. મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધીની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક અને બોરીવલી અને વિરાર વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની હશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, મિશન રફ્તાર પહેલ હેઠળ, રેલવેએ અગાઉ મોટા શહેરો વચ્ચે ટ્રેનની ઝડપ વધારવાની યોજના બનાવી હતી. કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટી (CRS) જુલાઈ 2024માં સ્પીડ અપગ્રેડને મંજૂરી આપવા માટે નિરીક્ષણ હાથ ધરશે. આ પછી ટ્રેનોની સ્પીડ વધારવા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેએ ટ્રેનોની સ્પીડ વધારવા માટે આ સમગ્ર રૂટને ખૂબ જ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવ્યો છે. આ માટે ટેક્નોલોજીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ટ્રેક સાથે OHE ને વધુ અદ્યતન બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, કવચ ટેક્નોલોજીનો અમલ કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડે ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ)ને 30 જૂન સુધીમાં આવશ્યક ટ્રેક બ્લોક સહિત તમામ બાકી કામો પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા મુખ્ય માળખાકીય સુધારાઓમાં 565 કિમીના ટ્રેક પર બેરિકેડ-ફેન્સિંગ, ટ્રેક અપગ્રેડેશન, 126 રેલવે બ્રિજ પર સિગ્નલિંગ સુધારણા અને ઓવરહેડ વાયર ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે.
ટ્રેનોની સ્પીડ 130 થી વધીને 160 થઈ ગયા બાદ વંદે ભારત એક્સપ્રેસ જે હાલમાં 5.25 કલાક લે છે. તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે તેનો મુસાફરીનો સમય ઘટાડીને 4.40 કલાક કરશે. તેવી જ રીતે, શતાબ્દી એક્સપ્રેસનો પ્રવાસ સમય 5.50 કલાકથી ઘટીને 4.50 કલાક થઈ જશે. IRCTC તેજસ એક્સપ્રેસનો પ્રવાસ સમય 6.25 કલાકથી ઘટીને 5.50 કલાક થશે. ડબલ ડેકર મુસાફરીનો સમય 6.55 કલાકથી ઘટીને 6.15 કલાક થશે અને મુંબઈ-દિલ્હી રાજધાની મુસાફરીનો સમય 15.32 કલાકથી ઘટાડીને 12 કલાક થશે.