રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે પણ હજી બરાબરનું જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
રાજ્યમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1 ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 મિમિ, ભરૂચના અંકલેશ્વરમાં 19 મિમિ, અમરેલીના રાજુલામાં 16, નવસારીના ખેરગામમાં 15 મિમિ, વલસાડમાં 12 મિમિ, ભાવનગરના પાલિતાણામાં 11 મિમિ, અમરેલીના કુંકાવાવમાં 10 મિમિ અને બાબરામાં 10 મિમિ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મિમિ સુધીનો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ અને સંઘપ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.