આજે 10મો ઈન્ટરનેશનલ યોગ દિવસ છે. વડાપ્રધાને શ્રીનગરમાં યોગ કર્યા. આ કાર્યક્રમ દાલના કિનારે યોજાવાનો હતો, પરંતુ વરસાદના કારણે કાર્યક્રમને હોલમાં ખસેડવામાં આવ્યો હતો. અગાઉ કાર્યક્રમ સવારે 6:30 વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ તે સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. ઓપન એરિયામાં વડાપ્રધાન મોદી 7 હજાર લોકો સાથે યોગ કરવાના હતા, પરંતુ હોલમાં શિફ્ટ થવાને કારણે માત્ર 50 લોકોએ જ ભાગ લીધો હતો.
વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાશ્મીર ખાતે કરી. યોગ દિવસના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, “મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું શ્રીનગરમાં યોગની શક્તિનો અનુભવ કરી રહ્યો છું. હું કાશ્મીરની ધરતી પરથી દેશના તમામ લોકોને, દુનિયાના ખૂણે ખૂણે યોગ કરનારાઓને અભિનંદન પાઠવું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે 10 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે.
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર યોગની ભૂમિ છે. તે કાર્યક્ષમતા અને સહનશક્તિ વધારે છે. યોગે નવી તકો ઊભી કરી છે. યોગ માત્ર એક વિજ્ઞાન નથી પરંતુ જીવનની એક રીત છે. યોગથી એકાગ્રતા વધે છે. હવે યોગ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. પ્રવાસનમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છે
આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે,” “હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું, વૈશ્વિક નેતાઓ હવે યોગ વિશે વાત કરે છે”. જેને પણ તક મળે તે યોગની ચર્ચા કરવાનું શરૂ કરે છે. તેમણે કહ્યું કે મેં 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરખાસ્ત કરી હતી. ભારતના ઠરાવને 177 દેશોએ ટેકો આપ્યો હતો, જે પોતાનામાં જ એક વિક્રમ હતો. ત્યારથી યોગ દિવસ સતત નવા વિક્રમો સર્જી રહ્યો છે. 2015માં દિલ્હીમાં કર્તવ્ય પથ પર 35,000 લોકોએ સાથે મળીને યોગ કર્યો હતો. વિશ્વભરમાંથી લોકો પ્રમાણભૂત યોગ શીખવા માટે ભારત આવે છે. આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. લોકોને યોગમાં વધુને વધુ રસ પડી રહ્યો છે.