હવામાન વિભાગે આજે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તે જ સમયે, આજે પણ ઘણા રાજ્યોમાં આકરી ગરમી રહેશે. બિહાર-ઝારખંડ અને પૂર્વી યુપી સહિત અનેક સ્થળોએ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે અને વિવિધ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે. જો કે, એવા ઘણા રાજ્યો છે જ્યાં હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી અને ત્યાં અત્યંત ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશનાં પશ્ચિમ ભાગો, ઓડિશા અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે ગરમી પડી રહી છે. 24 કલાક દરમિયાન દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ઓરાઈ (પશ્ચિમ ઉત્તર પ્રદેશ)માં 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર મધ્યપ્રદેશ, હરિયાણા-દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. સિરસા (હરિયાણા)માં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન બિહાર, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ-પુંડિચેરી, કરાઈકલ, ઉત્તર આંતરિક કર્ણાટક, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આગામી 2 દિવસમાં ચોમાસું અહીં પહોંચી જશે
હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાક દરમિયાન ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આગામી 2-3દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસમાં ચોમાસું પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના વધુ ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે.