તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 50 થઈ ગયો છે. જેમાં ત્રણ મહિલા અને એક ટ્રાન્સજેન્ડર પણ સામેલ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) નેતા સુબ્રમણ્યમ માએ શુક્રવારે (21 જૂન) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 185 લોકોને કલ્લાકુરિચી હોસ્પિટલ, પુડુચેરીની JIPMER હોસ્પિટલ, સાલેમ સરકારી હોસ્પિટલ અને વિલુપુરમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે. લગભગ 135 લોકોની સારવાર ચાલી રહી છે. 30 લોકોની હાલત ગંભીર છે. તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે મૃત્યુનો સિલસિલો 19 જૂનની બપોરથી શરૂ થયો હતો. જેમાંથી પહેલા દિવસે 34 લોકોના મોત થયા હતા. જેમાંથી 24 એક જ ગામના કરુણાપુરમના હતા. 20 જૂને તમામ મૃતકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 21 જૂને મૃત્યુઆંક 50 પર પહોંચ્યો હતો.