રશિયામાં યહૂદી પ્રાર્થના સ્થળ અને ચર્ચ પર આતંકી હુમલો થયાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ હુમલામાં 17 પોલીસકર્મીઓ અને એક પૂજારી સહિત ઘણા લોકોના મોત થયા છે જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ પાદરીનું ગળું કાપી નાખ્યું હતું. જવાબી કાર્યવાહીમાં રશિયન સુરક્ષા દળોએ 6 આતંકીઓને ઠાર કર્યા હતા. રશિયાના દાગેસ્તાનમાં હજુ પણ સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. આ આતંકી હુમલો દાગેસ્તાન પ્રાંતના બે શહેરોમાં થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદીઓએ ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે હજુ સુધી આ આતંકી હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. હુમલા બાદ રશિયન સેનાએ પોતાની સ્થિતિ જાળવી રાખી છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધ ચાલી રહી છે. શહેરના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ હુમલા બાદ લોકો ડરી ગયા છે. રશિયાના રસ્તાઓ પર ટાંકી અને વિશેષ દળો તૈનાત છે. છેલ્લા 9 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે. આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં સાત અધિકારીઓ, એક પાદરી અને એક ચર્ચ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. દાગેસ્તાનના બે શહેરો ડર્બેન્ટ અને મખાચકલામાં થયેલા આ આતંકવાદી હુમલા બાદ સોમવાર, મંગળવાર અને બુધવારને શોકના દિવસો જાહેર કરવામાં આવ્યા હતા.
આતંકવાદીઓએ એક સાથે બે ઓર્થોડોક્સ ચર્ચ પર હુમલો કર્યો હતો. સાંજની પ્રાર્થના બાદ આતંકવાદીઓ ચર્ચમાં ઘૂસ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકીઓએ ચર્ચમાં ઓટોમેટિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ 66 વર્ષના એક પાદરીનું ગળું કાપીને હત્યા કરી નાખી. ફાધર નિકોલે છેલ્લા 40 વર્ષથી ચર્ચમાં સેવા આપી રહ્યા હતા. આતંકવાદીઓએ યહૂદી ધર્મસ્થાન સિનાગોગ પર પણ ગોળીબાર કર્યો હતો. આ તરફ હવે મખાચકલામાં બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલા બાદ રશિયન કમાન્ડો એક્શનમાં છે.