રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસી જતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર છવાઈ છે. તો બીજી તરફ ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. સવારના 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કોડીનારમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ગોંડલ અને જૂનાગઢમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
આજે ગુરુવારે બનાસકાંઠા, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.