ભાજપના સાથી એવા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને પત્ર લખીને મળવા માટે સમય માગતાં ભાજપ ઉંચોનીચો થઈ ગયો છે. નીતિશ કુમાર પલટી મારીને ભાજપને છોડવા થનગની રહ્યા હોવાના અહેવાલ વચ્ચે ચંદ્રાબાબુ પણ કોંગ્રેસ તરફ ઢળતાં કેન્દ્રની ભાજપ સરકારના પેટમાં ફાળ પડી છે.
ભાજપ સમર્થક કોઈ મુખ્યમંત્રી સામેથી કોંગ્રેસના મુખ્યમંત્રીને મળે એવું પહેલી વાર બની રહ્યું છે. ચંદ્રાબાબુએ સામેથી 5 જુલાઈએ રેવંત રેડ્ડીના હૈદરાબાદના નિવાસસ્થાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને રેવંત રેડ્ડીએ આવકારી છે. ચંદ્રાબાબુએ સત્તાવાર રીતે તેલંગાણા અને આંધ્ર પ્રદેશ સાથે મળીને શું કરી શકે એ માટે ચર્ચા કરવા રેડ્ડીને મળવાની ઈચ્છા દર્શાવતાં ચંદ્રાબાબુ ભવિષ્યમાં કોંગ્રેસ સાથે જોડાણનો તખ્તો તૈયાર કરી રહ્યા હોવાનું ભાજપ નેતાગીરી માને છે.
ભાજપનાં સૂત્રોના મતે, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બંને મુસ્લિમોને અનામત સહિતના એજન્ડાને આગળ ધપાવી રહ્યાં હોવાથી બંને એક થઈ જાય તો આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાંથી બીજા બધા પક્ષોને સાફ કરી દેવાય એવું ટીડીપીના વ્યૂહરચનાકારો માને છે. ચંદ્રાબાબુની ટીડીપી અને કોંગ્રેસ 2018માં તેલંગાણામાં જોડાણ કરીને વિધાનસભાની ચૂંટણી લડયાં હતાં એ જોતાં બંને વચ્ચે જોડાણ શક્ય છે. કોંગ્રેસ માટે પણ આ ફાયદાનો સોદો છે કેમ કે તેના કારણે નરેન્દ્ર મોદી સરકારને ગબડાવીને ઈન્ડિયા મોરચાની સરકાર રચવાની તક ઉભી થશે.
ચંદ્રાબાબુએ સત્તાવાર ટ્વિટ કરીને પોતે રેવંત રેડ્ડીને પત્ર લખ્યો હોવાની જાહેરાત કરી છે. ચંદ્રાબાબુએ લખ્યું છે કે, આંધ્ર અને તેલંગાણા એ બે તેલુગુભાષી રાજ્યોનાં પરસ્પર હિતોને લગતી બાબતોની ચર્ચા કરવા બેઠકની દરખાસ્ત મૂકતો પણ લખ્યો છે. બંને રાજ્યોના વિભાજનના કારણે ઉભી થયેલી સમસ્યાઓ ઉપરાંત સહકાર વધારવાનો તેમજ બંને રાજ્યોમાં વિકાસને વેગ આપવાનો બેઠકનો ઉદ્દેશ છે.
ચંદ્રાબાબુ નાયડુને નરેન્દ્ર મોદી કેબિનેટમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) મંત્રાલય જોઈતું હતું પણ ભાજપે આઈટી મંત્રાલય પોતાની પાસે રાખતાં ચંદ્રાબાબુ નારાજ હોવાનું મનાય છે. નરેન્દ્ર મોદીની નજીક મનાતા અશ્વિની વૈષ્ણવને આઈટી મિનિસ્ટર બનાવ્યા છે. ભાજપે ટીડીપીને લોકસભાનું સ્પીકર પદ પણ ના આપતાં ચંદ્રાબાબુ અકળાયેલા છે.