બહુજન સમાજ પાર્ટી તમિલનાડુના પ્રમુખ આર્મસ્ટ્રોંગની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગની શુક્રવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે હત્યા કરવામાં આવી હતી. તમિલનાડુ ના બસપા પ્રમુખની ચેન્નાઈના પેરામ્બુરમાં તેમના નિવાસસ્થાને 6 બાઇક સવારોએ હત્યા કરી નાખી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
આ કેસ વિશે વધુ વિગતો આપતાં સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આર્મસ્ટ્રોંગ જ્યારે તેમના ઘરમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. લોહીલુહાણ આર્મસ્ટ્રોંગને ગ્રીમ્સ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તબીબોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. કોલાથુર પોલીસબસપા પ્રમુખની હત્યાની તપાસ કરી રહી છે. પોલીસે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.
હત્યાના સમાચાર મળતા જ સમર્થકોની ભીડ ઘટના સ્થળ અને હોસ્પિટલ પર એકઠી થઈ ગઈ હતી. તમિલનાડુ બસપા પ્રમુખ આર્મસ્ટ્રોંગની હત્યાના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ ચેન્નાઈમાં રસ્તા રોક્યા હતા. તમામ સમર્થકો બાઇક સવાર હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.