અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ, પેરા મિલિટરી ફોર્સ સહિત કુલ 23 હજારથી વધુ જવાનો ખડેપગે બંદોબસ્તમાં રહેશે. તેમજ CCTV કેમેરા, CCTV સજ્જ વાહનો, બોડી વોર્ન કેમેરા, ડ્રોન, GPS સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ, પોર્ટેબલ પોલ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ સહિતની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે.
પ્રથમ વખત જગન્નાથ મંદિરના ગેટ પર જ ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પરના કાયમી 12 લોકેશનમાં કુલ 26 કેમેરા અને પોર્ટેબલ પોલ લગાવાયા છે. સમગ્ર રૂટ પર આવતાં ખાનગી દુકાન માલિકો સાથે મળી કુલ 1400 જેટલાં CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. 11 જેટલી જગ્યા પર પબ્લિકને માહિતી અને સૂચના આપવા માટે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. કોલ બોક્સમાં હાઇ રિઝોલ્યુશન કેમેરો લગાવવામાં આવ્યો છે જેમાં લાલ રંગનું એક બટન હોય છે. આ બટન દબાવતાની સાથે જ બોક્સમાં લાગેલો કેમેરો એક્ટિવ થઇ જશે અને પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ જશે. પોલીસ કંટ્રોલ રૂમમાં કર્મચારી તેને રિસીવ કરશે અને બટન દબાવનારી વ્યક્તિ સાથે સીધી વાતચીત કરી શકશે.
પોલીસ રથયાત્રાની સુરક્ષા માટે ટેથર્ડ ડ્રોન, નિન્જા ડ્રોન અને ખાનગી ડ્રોનનો ઉપયોગ કરશે. ટેથર્ડ ડ્રોન 10થી 12 કલાક સુધી ઉડી શકે છે અને તેને પાવર સપ્લાય ત્યાં જ આપવામાં આવે છે. જ્યારે નિન્જા ડ્રોનનો ફ્લાય ટાઇમ 20થી 25 મિનિટનો હોય છે. તેના પછી તેની બેટરી ચેન્જ કરીને તેને ફરીથી ઉડાવી શકાય છે. પોલીસ પાસે સ્પેર બેટરીની વ્યવસ્થા હોય છે. જેથી સતત મોનિટરીંગ કરી શકાય છે. ડ્રોનનું મોનિટરીંગ ક્રાઇમ બ્રાન્ચ અને કંટ્રોલ રૂમ એમ બન્ને કરશે. ડ્રોનથી કોટ વિસ્તારમાં અને ધાબાં પર નજર રખાશે. ક્યાં-શું પડેલું છે, કઇ જગ્યાએ ભીડ એકઠી થઇ રહી છે તેની તમામ વિગતો ડ્રોનથી મળી જશે.