રશિયાએ રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીય નાગરિકોને મુક્ત કરવાનો અને તેમના પરત ફરવાની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોની તેમની મહત્ત્વપૂર્ણ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી ભારત રશિયા પર દબાણ કરી રહ્યું છે કે તે રશિયન સેનામાં સેવા આપતા તેમના નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વતન પરત મોકલે.
“યુદ્ધ ક્ષેત્રમાં ભારતીયો”ના હેશટેગ પર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ વિશે માહિતી મળતાં જ ભારતે તાત્કાલિક પગલાં લીધાં હતા. અહેવાલો અનુસાર લગભગ 200 ભારતીય નાગરિકોની રશિયન આર્મીમાં સુરક્ષા સહાયક તરીકે ભરતી કરવામાં આવી હતી.
બે ભારતીય નાગરિકો રશિયન સેનામાં ફરજ બજાવતા મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું હતું. ભારતે એ પણ માગણી કરી હતી કે રશિયન સૈન્ય દ્વારા ભારતીય નાગરિકોની કોઈપણ વધુ ભરતી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે, જૂનના મધ્ય સુધીમાં રશિયન સૈન્ય સાથે સહાયક સ્ટાફ તરીકે કામ કરતા માત્ર 10 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને ભારત પાછા મોકલવામાં આવ્યા હતા.