રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગયા મહિને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. હવે ટીમ ઈન્ડિયાનું આગામી મિશન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 છે. પરંતુ આ ટૂર્નામેન્ટને લઈને એક સમસ્યા હોવાનું જણાય છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન કરશે. જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ પહેલા જ કહી ચૂક્યા છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પૂરી એકાગ્રતા સાથે પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે.
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ પણ તૈયાર કરી લીધું છે. આ શેડ્યૂલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને તેના સભ્ય દેશોને મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. દરેક જગ્યાએથી લીલી ઝંડી મળ્યા બાદ તેને રિલીઝ કરવામાં આવશે. પરંતુ તે પહેલા જ આ શેડ્યૂલ વાયરલ થઈ ગયું છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફે તેને પ્રકાશિત કર્યું છે. આ મુજબ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કરાચીમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તેમજ શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે.
ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે, જેને 2 ગ્રૂપમાં રાખવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશને ગ્રૂપ Aમાં એકસાથે રાખવામાં આવ્યા છે. જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડને ગ્રૂપ-Bમાં રાખવામાં આવ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ સહિતની તમામ મેચો 19 દિવસમાં યોજાશે. વાયરલ શેડ્યૂલ અનુસાર, ભારતીય ટીમ તેની તમામ મેચ લાહોરમાં જ રમશે. ટીમની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે અને બીજી મેચ 23 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે થશે. જ્યારે ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજની તેની ત્રીજી અને છેલ્લી મેચ 1 માર્ચે પાકિસ્તાન સામે રમવાની છે.