નેપાળમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે હાઇવે પર ભૂસ્ખલન થતાં બે બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી. ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને બસમાં ડ્રાઈવર સહિત 63 લોકો સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં 7 ભારતીયોનાં મોત થયા છે. 50થી વધુ લોકો ગુમ છે.
નેપાળી મીડિયા હાઉસ કાઠમંડુ પોસ્ટ અનુસાર, બસ ડ્રાઇવરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 2 લોકોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માત મધ્ય નેપાળમાં મદન-આશ્રિત હાઇવે પર સવારે 3.30 વાગ્યે થયો હતો. સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.