નીતિ આયોગ દ્વારા ઘણા પ્રકારના અહેવાલો જારી કરવામાં આવે છે. SDG રિપોર્ટ પણ આમાંથી એક છે. રિપોર્ટમાં સામાજિક-આર્થિક સ્થિતિના સંદર્ભમાં દેશના તમામ રાજ્યોની રેન્કિંગ નક્કી કરવામાં આવી છે. નીતિ આયોગના SDG રિપોર્ટમાં ઉત્તરાખંડ ટોચ પર છે, જ્યારે બિહારની સ્થિતિ સૌથી ખરાબ છે. બિહાર દરેક સ્તરે પાછળ રહેલું રાજ્ય સાબિત થયું છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે SDG રિપોર્ટ વિશે માહિતી આપી.
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મતલબ કે છેલ્લા ૧૦ વર્ષમાં દેશ વધુ સમળદ્ધ બન્યો છે. SDG રિપોર્ટ અનુસાર, ગરીબી નાબૂદી પર SDG-૧ હાંસલ કરવા માટે બે રાજ્યોને સુધારવાની જરૂર છે. જેમાં બિહાર અને અરુણાચલ પ્રદેશના નામ સામેલ છે. આ રિપોર્ટ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય રાજ્યોની સામાજિક-આર્થિક સ્થિતિને શોધીને તેમાં સુધારો કરવાનો અને આવા રાજ્યોને વિકાસના માર્ગ પર લાવવાનો છે.
નીતિ આયોગના સીઈઓએ કહ્યું કે મૂળભૂત અસ્તિત્વ હવે કોઈ મુદ્દો નથી. કુપોષણ, સ્ટન્ટિંગ અને ન્યૂનતમ બોડી માસ ઇન્ડેક્સમાં સુધારો કરવાની જરૂર છે. આ વર્ષના SDG રિપોર્ટમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં સૌથી વધુ પ્રદર્શન કરનારા ૫ રાજ્યોમાં ઉત્તરાખંડ ટોચ પર છે. આ પછી કેરળ, તમિલનાડુ, ગોવા અને હિમાચલ પ્રદેશ છે. બિહાર સૌથી નીચલા સ્થાને છે. બિહાર પછી ઝારખંડ, નાગાલેન્ડ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ પાછળ રહેલા રાજ્યોમાં સામેલ છે
NITI આયોગના ટકાઉ વિકાસ સૂચકાંકમાં ઉત્તરાખંડ અને કેરળ ટોચના પ્રદર્શન કરનારા રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે, જ્યારે બિહારને સૌથી ખરાબ રેટિંગ આપવામાં આવ્યું છે. કમિશન આ ઇન્ડેક્સ દ્વારા સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિમાણો પર પ્રગતિનું મૂલ્યાંકન કરે છે. તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) હાંસલ કરવામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. નીતિ આયોગના SDG ઈન્ડિયા ઈન્ડેક્સ ૨૦૨૩-૨૪ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતનો એકંદર SDG સ્કોર વધીને ૭૧ થયો છે. જ્યારે ૨૦૨૦-૨૧માં તે ૬૬ હતો. ગરીબી નાબૂદી, યોગ્ય કાર્યની પહોંચ, આર્થિક વળદ્ધિ, આબોહવા પગલાં અને પાયાના જીવન પર નોંધપાત્ર પ્રગતિ સાથે ભારતનું પ્રદર્શન સુધર્યું છે.
આ પરિમાણો પર, ઉત્તરાખંડ અને કેરળ સંયુક્ત રીતે ૭૯ પોઈન્ટ સાથે ટોચના પ્રદર્શન કરનારા રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે. તે પછી તમિલનાડુ (૭૮) અને ગોવા (૭૭) છે. બીજી તરફ બિહાર આ રેન્કિંગમાં ૫૭ પોઈન્ટ સાથે સૌથી નીચે છે. ઝારખંડ (૬૨) અને નાગાલેન્ડ (૬૩) પણ સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યોમાં સામેલ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દિલ્હીને ટોપ પાંચમાં સામેલ કરવામાં આવ્યા છે. અહેવાલ બહાર પાડતા, નીતિ આયોગના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ‘સરકારના લક્ષ્યાંકિત હસ્તક્ષેપોએ ભારતને ટકાઉ વિકાસ લક્ષ્યો તરીકે નિર્ધારિત ૧૬ લક્ષ્યોમાં નોંધપાત્ર સુધારો નોંધાવવામાં મદદ કરી છે.
તેમણે કહ્યું, ભારત SDG હેઠળ મોટાભાગના લક્ષ્યો હાંસલ કરવાના માર્ગ પર છે અને અન્ય કરતા આગળ છે. સરકારને આશા છે કે વર્ષ ૨૦૩૦ પહેલા પણ આમાંથી કેટલાક લક્ષ્યો હાંસલ કરી લેવામાં આવશે. SDG ઇન્ડેક્સ દર્શાવે છે કે ૧૬ લક્ષ્યોમાંથી, ભારતનું એકંદર પ્રદર્શન ફક્ત લિંગ સમાનતા લક્ષ્ય પર ૫૦ ની નીચે છે. રિપોર્ટ અનુસાર તમામ રાજ્યોની એકંદર કામગીરીમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્યોનો સ્કોર ૨૦૨૩-૨૪માં ૫૭ થી ૭૯ સુધીનો હતો, જે ૨૦૨૦-૨૧માં ૬૬ અને ૨૦૧૮માં ૫૭ કરતા નોંધપાત્ર રીતે સારો છે.
ઉત્તર પ્રદેશ ૨૦૧૮ અને ૨૦૨૩-૨૪ વચ્ચે સૌથી ઝડપથી વિકસતું રાજ્ય રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના સૂચકાંકમાં ૨૫નો વધારો નોંધાયો હતો. તે પછી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને સિક્કિમ છે. આ વિકાસ લક્ષ્યાંકો વ્યાપક પરામર્શ પછી નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં હાંસલ કરવાના ૧૭ લક્ષ્યો અને ૧૬૯ સંબંધિત લક્ષ્યોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, આમાંથી ૧૩મા ધ્યેય (ક્લાઈમેટ ચેન્જ પરની કાર્યવાહી)માં સૌથી વધુ સુધારો જોવા મળ્યો છે, જેનો સ્કોર ૫૪થી વધીને ૬૭ થઈ ગયો છે. જ્યારે પ્રથમ લક્ષ્ય (ગરીબી નિવારણ)નો સ્કોર ૬૦ થી વધીને ૭૨ થયો છે.