અમદાવાદ સિવિલમાં ચાંદીપુરા વાયરસનાં શંકાસ્પદ કેસ દાખલ થતા સિવિલ હોસ્પિટલનાં તબીબોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ છે.
અમદાવાદ સિવિલમાં ચાંદીપુરા વાયરસનાં 3 શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2 દર્દીની તબિયત સ્થિર છે. જ્યારે 6 શંકાસ્પદ દર્દીનાં સેમ્પલ પુના લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 3 દિવસ બાદ આવશે. તેમજ સિવિલ હોસ્પિટલનાં તબીબોને સ્ટેન્ડ બાદ રહેવા સૂચન આપવામાં આવી છે.
આ બાબતે અસારવા સિવિલનાં સુપ્રિટેન્ડન્ટ ર્ડા. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, છ દર્દીઓનાં સેમ્પલ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમજ અમે રાહ જોઈ રહ્યા છીએ કે તે રિપોર્ટમાં શું આવે છે તેમજ મીડીયાનાં માધ્યમથી એટલી વિનંતી કરીશ કે લોકોએ ગભરાવાની જરૂર નથી.હાલ જે દર્દીઓ નોંધાયેલા છે તે શંકાસ્પદ છે. તેમજ તેઓનો રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે કે અન્ય કોઈ ઈન્ફેક્શન થયા છે.
ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળશે
રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની બેઠક મળનાર છે. આરોગ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા થશે. તેમજ રાજ્યનાં તમામ જીલ્લા, મહાનગરનાં આરોગ્ય અધિકારીને વીડિયો કોન્ફરન્સથી જોડાશે. આ બેઠકમાં રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ પણ હાજર રહેશે. રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રનાં ર્ડાક્ટરોને પણ વીસીથી જોડવામાં આવશે. ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અને તેનાં અટકાયતી પગલાઓ અંગે ચર્ચા થશે. રાજ્યમાં 26 ચાંદીપુરાનાં કેસો નોંધાયા છે. જે પૈકી 14 મૃત્યું પામ્યા છે.