મુંબઈ અને ગુજરાતના લોકો માટે આ વરસાદ જાણે આફત બની ગયો છે. ગુજરાત મહારાષ્ટ્ર સહિત 18 રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 6 રાજ્યો ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, કેરળ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂણેમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગે મુંબઈમાં હાઈ ટાઈડ અને પૂણેમાં 48 કલાક માટે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે. પૂણેમાં 66 વર્ષમાં પહેલીવાર છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 114 મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં દરિયામાં લગભગ 4.5 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે.
આવતીકાલે આ રાજ્યોમાં એલર્ટ રહેશે
હવામાન વિભાગે આવતીકાલે 27 જુલાઈએ પણ સારા વરસાદની ચેતવણી આપી છે. આવતીકાલે પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ રહેશે. ઉત્તરાખંડ, ગોવા, કર્ણાટક, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલયમાં પણ વરસાદ પડી શકે છે.